એપલ (Apple) યુઝર્સ માટે એક ખુશીના સમાચાર છે. દિગ્ગજ ટેક કંપનીએ ભારતમાં પોતાની ડિજિટલ પેમેન્ટ સર્વિસ ‘Apple Pay’ (એપલ પે) સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. આ સાથે જ કંપનીએ દુનિયાના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. હવે યુઝર્સ તેમના iPhone, iPad અને Apple Watch ની મદદથી સરળતાથી કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશે.
શરૂઆતમાં આ બેંકના ગ્રાહકોને મળશે લાભ
હાલમાં, આ સર્વિસ શરૂઆતના તબક્કે એક્સિસ બેંક (Axis Bank) ના વિઝા (Visa) અને માસ્ટરકાર્ડ (Mastercard) ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે, એપલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કંપની આગામી સમયમાં અન્ય બેંકોને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવાની યોજના ધરાવે છે.
Apple Pay કેવી રીતે કામ કરે છે?
એપલ પેની સૌથી મોટી ખાસિયત એ છે કે ચેકઆઉટ વખતે તમારે કાર્ડનો PIN કે OTP દાખલ કરવાની જરૂર પડતી નથી.
- સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે યુઝર્સે માત્ર પોતાના આઇફોનનું સાઇડ કે હોમ બટન ડબલ-ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ Face ID, Touch ID અથવા ડિવાઇસ પાસકોડ દ્વારા ઓથેન્ટિકેશન (ખરાઈ) કરવાનું રહેશે.
- છેલ્લે, પોતાના iPhone અથવા Apple Watch ને કોન્ટેક્ટલેસ પેમેન્ટ (NFC) ટર્મિનલની નજીક રાખવાથી પેમેન્ટ સફળતાપૂર્વક થઈ જશે.
યુઝર્સ એપલ વોલેટ (Apple Wallet) માં પોતાના લાયક કાર્ડ્સ એડ કરી શકશે અને ભારતભરના હજારો ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ તેમજ વૈશ્વિક સ્તરે NFC ટર્મિનલ્સ પર તેનો ઉપયોગ કરી શકશે. ટૂંક સમયમાં Mac માટે પણ તેનો સપોર્ટ શરૂ થવાની અપેક્ષા છે.
સુરક્ષા અને પ્રાઈવસી પર ખાસ ભાર
એપલે સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આ સિસ્ટમમાં તમારા કાર્ડનો અસલ નંબર (Card Number) ડિવાઇસમાં કે એપલના સર્વર પર સેવ થતો નથી, અને દુકાનદાર (મર્ચન્ટ) સાથે પણ શેર કરવામાં આવતો નથી. તેના બદલે, એક યુનિક ‘ડિવાઇસ એકાઉન્ટ નંબર’ જનરેટ થાય છે જે ડિવાઇસના સિક્યોર એલિમેન્ટમાં એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સેવ થાય છે. વિઝા અને માસ્ટરકાર્ડની ‘ટોકનાઇઝેશન’ ટેક્નોલોજી દ્વારા કાર્ડની વિગતોને સુરક્ષિત ટોકનમાં બદલી દેવામાં આવે છે, જેથી પેમેન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત રહે.
ભારતની ડિજિટલ ક્રાંતિમાં એપલનું નવું કદમ
એપલ પે અને એપલ વોલેટના વાઇસ પ્રેસિડેન્ટ જેનિફર બેઇલીએ જણાવ્યું હતું કે, “ભારતમાં લોકો ઝડપથી કેશલેસ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને સુરક્ષાના ઉચ્ચ માપદંડોની અપેક્ષા રાખે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને લગતા નિયમો અને NFC ટર્મિનલ્સના વધતા વ્યાપે એપલ પેના લોન્ચ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે.”
એક્સિસ બેંક(Axis Bank) ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અમિતાભ ચૌધરીએ તેમજ વિઝાના ગ્રુપ કન્ટ્રી મેનેજર સુરેશ સેઠીએ પણ આ ભાગીદારીને ભારતના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. નોંધનીય છે કે Apple Pay હાલમાં વિશ્વના 90 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે અને 11,000 થી વધુ બેંકો સાથે જોડાયેલું છે.
કયા ડિવાઇસમાં ચાલશે Apple Pay?
આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે નીચે મુજબના ડિવાઇસ હોવા જરૂરી છે:
- iPhone: iPhone XR અથવા તેના પછીના લેટેસ્ટ મોડલ્સ (જેમાં iOS 18 કે તેથી નવું વર્ઝન ઈન્સ્ટોલ હોય).
- Apple Watch: Apple Watch Series 6 અથવા તેના પછીના મોડલ્સ (જેમાં watchOS 11 કે લેટેસ્ટ વર્ઝન હોય).
