લાર્જ, મિડ કે સ્મોલ કેપ: કમાણીની રેસમાં અસલી વિજેતા કોણ?

છેલ્લાં ઘણાં સમયથી Nifty 50 અને Sensex નાં ફ્લેટથી નેગેટિવ રિઝલ્ટને કારણે ઇક્વિટી રોકાણકારો થોડાં સાવધ બન્યા છે. નવા સ્ટોક્સમાં રોકાણ કરતી વખતે રોકાણકારો અવારનવાર સ્મોલ કેપ અને મિડ કેપનું એનાલિસીસ કરતાં હોય છે. પરંતુ, કયા પુલમાં રોકાણ કરવું એ બાબત હજી પણ નવાં રોકાણકારોને કન્ફ્યુઝ કરે છે. 

આ અંગે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ (DSP Mutual Fund) દ્વારા જાહેર કરવામાં આવેલો રિપોર્ટ એક નવો જ પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. આ રિપોર્ટ દર્શાવે છે કે FY17 થી Q1FY27 સુધીના આખા સાયકલમાં સ્મોલ કેપ્સનો PAT (પ્રોફિટ આફ્ટર ટેક્સ) CAGR 36.8% અને મિડ કેપ્સનો 21.2% રહ્યો છે, જ્યારે લાર્જ કેપ્સનો માત્ર 14% રહ્યો છે. પરંતુ આ આંકડા પાછળનું સાચું કારણ બિઝનેસ ગ્રોથ નહીં પણ ‘માર્જિન રિકવરી’ અને ‘આઉટલાયર્સ’ છે.

ગ્રોથ નહીં, પણ માર્જિન સુધારાથી નફો વધ્યો

લાર્જ કેપ કંપનીઓની આવક વૃદ્ધિ (Revenue CAGR) FY17થી 13.5% રહી છે, જે મિડ અને સ્મોલ કેપ્સના આશરે 11.5% વૃદ્ધિ દર કરતાં વાસ્તવમાં વધુ છે. તેમ છતાં સ્મોલ અને મિડ કેપ્સનો નફો ઝડપથી વધ્યો કારણ કે તેમના માર્જિન સામાન્ય થયા હતા.

FY17માં સ્મોલ કેપ્સનું PAT માર્જિન માત્ર 1.3% અને મિડ કેપ્સનું 6% હતું, જે જૂન 2026 (TTM) સુધીમાં સુધરીને અનુક્રમે 8.4% અને 12.8% થઈ ગયું. તેની સરખામણીએ લાર્જ કેપ માર્જિન 11.9% થી માત્ર 12.4% પર પહોંચ્યા છે.

ધ આઉટલાયર ઇફેક્ટ (The Outlier Effect)

જો ડેટામાંથી ટોચના સૌથી વધુ નફો કરનાર 2% અને સૌથી વધુ નુકસાન કરનાર 2% શેર્સ હટાવી દેવામાં આવે, તો સ્મોલ કેપનો PAT CAGR 36.8% થી ઘટીને સીધો 24.8% થઈ જાય છે. જ્યારે લાર્જ કેપમાં આ ફેરફાર માત્ર 0.5% જેટલો નજીવો (-0.5 ppt) રહે છે. આ દર્શાવે છે કે સ્મોલ અને મિડ કેપની તેજી અમુક ચોક્કસ કંપનીઓ પર વધારે નિર્ભર છે.

સમયનું સાથે બદલાય છે ચિત્ર

નાણાકીય વર્ષ 2021-22 (FY22) પછીના તાજેતરના સમયગાળાને જોવામાં આવે તો ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. FY22 થી લાર્જ કેપ્સનો PAT CAGR 15.8% રહ્યો છે, જે સ્મોલ કેપ્સના 13.7% કરતાં પણ વધુ છે. આ સમય દરમિયાન સ્મોલ કેપ માર્જિન 8% થી 8.4% પર સ્થિર થઈ ગયા હોવાથી તેમની કમાણીની ઝડપ ઘટી ગઈ છે.

કમાણીની વોલેટિલિટી અને સ્થિરતા

સ્મોલ અને મિડ કેપ કંપનીઓ કમાણીની દ્રષ્ટિએ અત્યંત અસ્થિર રહી છે. સ્મોલ કેપ્સે FY18 માં એકંદર ખોટ નોંધાવી હતી, FY20 માં નફામાં 40% નો ઘટાડો જોયો અને પછી FY21 માં 328% નો ઉછાળો અનુભવ્યો હતો. મિડ કેપ્સ પણ FY20 માં ખોટમાં ગયા હતા. તેની સામે લાર્જ કેપ્સ સતત નફાકારક રહ્યા છે અને તેમના માર્જિન હંમેશા 8% થી 13% વચ્ચે જળવાઈ રહ્યા છે.

નફાના પૂલ પર લાર્જ કેપ્સનું પ્રભુત્વ

કુલ નફાની દ્રષ્ટિએ માર્કેટમાં હજુ પણ લાર્જ કેપ્સનો દબદબો છે. જૂન 2026 (TTM) અનુસાર, લાર્જ કેપ કંપનીઓ ₹14.7 લાખ કરોડનો PAT જનરેટ કરે છે, જ્યારે મિડ કેપ્સ ₹3.8 લાખ કરોડ અને સ્મોલ કેપ્સ માત્ર ₹1.6 લાખ કરોડ નફો કરે છે. સમગ્ર નફાના પૂલનો લગભગ ત્રણ-ચતુર્થાંશ (75%) હિસ્સો લાર્જ કેપ્સ ધરાવે છે.

હાલ સ્મોલ અને મિડ કેપ્સના માર્જિન પહેલેથી જ ઊંચા સ્તરે છે, જેથી ભવિષ્યમાં પણ ભૂતકાળ જેવો જ સીધો ગ્રોથ ચાલુ રહેશે તેવું માની લેવું રોકાણકારો માટે જોખમી બની શકે છે. ઓછી વોલેટિલિટી અને સ્થિર ગ્રોથ ઇચ્છતા રોકાણકારો માટે લાર્જ કેપ્સ લાંબા ગાળે વધુ ભરોસાપાત્ર સાબિત થઇ રહ્યા છે.

અસ્વીકરણ: આ સમાચાર ફક્ત માહિતી માટે છે અને તે કોઇપણ પ્રકારનાં રોકાણ તરફ નિર્દેશિત નથી.