Zerodha નાં પરિણામો રહ્યાં સુસ્ત, કંપનીની આવક અને નફામાં મોટા ફેરફાર નહીં

ભારતના અગ્રણી ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પ્લેટફોર્મ ઝેરોધા (Zerodha) માટે નાણાંકીય વર્ષ 2025-26 (FY26) પરિણામોની દ્રષ્ટિએ સ્થિર રહ્યું છે. કંપનીના મુખ્ય બ્રોકિંગ બિઝનેસમાં આવેલી મંદી અને નિયમનકારી ફેરફારોને કારણે Zerodhaની આવક અને નફામાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. 

કંપનીનાં કો-ફાઉન્ડર નિતિન કામતનાં બ્લોગ પોસ્ટ અનુસાર માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં ઝેરોધાનો ચોખ્ખો નફો 1.2% ના નજીવા વધારા સાથે ₹4,283 કરોડ નોંધાયો છે. આ દરમિયાન કંપનીની કુલ આવક અગાઉના વર્ષના ₹8,847 કરોડની સરખામણીએ લગભગ યથાવત રહી છે. જોકે, કોર બ્રોકિંગમાં મંદી છતાં માર્જિન ટ્રેડિંગમાંથી મળેલી આવકે નફાને ટેકો આપીને ઘટાડાને સરભર કર્યો છે.

મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો કંપનીની બ્રોકરેજ આવક 10.7% ઘટીને ₹2,738 કરોડ થઈ છે. વધુમાં, સ્ટોક એક્સચેન્જ તરફથી બ્રોકર્સને મળતા રિબેટ બંધ કરવાના નિયમનકારી ફેરફાર બાદ નેટ ટ્રાન્ઝેક્શન-ચાર્જ આવક ₹400 કરોડથી ઘટીને સીધી શૂન્ય થઈ ગઈ છે. કંપનીની વ્યાજની આવક પણ 4% ઘટીને ₹2,269 કરોડ રહી છે, જ્યારે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જિસ (AMC) સહેજ વધીને ₹180 કરોડ નોંધાયા છે. 

નાણાંકીય પરિણામોનો આ ફ્લેટ ટ્રેન્ડ FY25ના મોટા ઘટાડા બાદ આવ્યો છે. FY25માં કડક નિયમો અને બજારમાં સુસ્ત ટ્રેડિંગને કારણે ઝેરોધાની આવકમાં 11.5% અને નફામાં 23% નો ઘટાડો નોંધાયો હતો. તેની સરખામણીએ, કોરોના પછી આવેલી તેજી દરમિયાન FY24માં કંપનીએ ₹9,994 કરોડની રેકોર્ડ આવક અને ₹5,493 કરોડનો નફો કર્યો હતો. 

બીજી તરફ, હરીફ પ્લેટફોર્મ ગ્રો (Groww) એ FY26 દરમિયાન આવક અને નફા બંનેમાં લગભગ 14% નો વધારો નોંધાવ્યો છે. ગ્રોએ ₹4,644 કરોડની આવક અને ₹2,083 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે.

ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ Groww સતત આગળ વધી રહ્યું છે અને જુલાઈ સુધીમાં તેના એક્ટિવ યુઝર્સની સંખ્યા 1.31 કરોડ (13.12 મિલિયન) પર પહોંચી ગઈ છે. 

આમ છતાં, આવક અને ચોખ્ખા નફાના પરિમાણો પર Zerodha નું કદ હજુ પણ ગ્રGroww તાં લગભગ બમણું મોટું છે.