ભારતનાં પડોશી દેશ નેપાળમાં આજે કુદરતી તારાજીની ઘટના સામે આવી છે. તિબેટમાં આવેલા ભૂકંપને કારણે નેપાળમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે, જેના કારણે હાલની માહિતી મુજબ 31 લોકોનાં મોત થયાં છે.
આ ઉપરાંત, 500થી વધુ લોકો ગાયબ છે, જેમાં અનેક ભારતીયો અને NRIs નો સમાવેશ થાય છે. તિબેટમાંથી આવેલા અચાનક પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભોટેકોશી નદીનું જળસ્તર અચાનક વધવાને કારણે ટિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અનેક ઘરોને નુકસાન થયું છે.
આ પૂરમાં રસુવાનો એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ તણાઈ ગયો. ગુમ થયેલા ભારતીયોમાંથી મોટાભાગના તિબેટમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે જઈ રહ્યા હતા. પૂરના કારણે ઘરો, પુલ, વાહનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તણાઈ ગયા છે.
બિહાર અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ
નેપાળની ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓનું પાણી આગળ વધીને ગંડક નદીમાં ભળતું હોવાથી ભારતના સરહદી રાજ્યોને સતર્ક કરવામાં આવ્યા છે. બિહારમાં રાજ્ય સરકારે ગંડક અને કોસી નદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે તેમજ NDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાજગંજ અને કુશીનગર સહિતના સરહદી જિલ્લાઓમાં વહીવટી તંત્રને સાવચેત રહેવા અને તમામ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
ભારતીય નાગરિકોની મદદ અને માહિતી માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે કટોકટી નંબર જાહેર કર્યા છે. અસરગ્રસ્ત લોકો +977 985 131 6807 અને +977 970 910 7500 પર સંપર્ક કરી શકે છે.
નેપાળ ટુરિઝમ બોર્ડે પણ મદદ માટે ટોલ-ફ્રી નંબર 1234, હોટલાઇન 1144 અને ટુરિસ્ટ પોલીસ નંબર 9851289445 જાહેર કર્યો છે.
