શું તમે તાજેતરમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાને જોઈને મૂંઝવણમાં છો? કે પછી ભવિષ્યમાં સોનું સસ્તું થશે તેવી આશા રાખીને બેઠા છો? તો આ અહેવાલ તમારે ખાસ વાંચવો જોઈએ. ICICI બેંકના લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ મુજબ, આગામી બે વર્ષમાં સોનાના ભાવ એવા ઐતિહાસિક સ્તરે પહોંચવાની તૈયારીમાં છે, જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
જો તમે રોકાણકાર છો અથવા ઘરમાં લગ્નપ્રસંગ આવી રહ્યો છે, તો જાણી લો કે 2027 સુધીમાં વૈશ્વિક બજારમાં સોનું 5,000 ડોલર અને ભારતીય બજારમાં 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરને પાર કરી શકે છે!
ICICI બેંકના રિપોર્ટની મુખ્ય હાઇલાઇટ્સ:
- ભારતમાં ભાવ ક્યાં જશે? બેંકના મતે, સ્થાનિક બજારમાં સોનાના ભાવ વૈશ્વિક ટ્રેન્ડ અને રૂપિયાની વધઘટ પર નિર્ભર રહેશે. 2026ના બાકીના સમયગાળા માટે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.40 લાખથી ₹1.60 લાખની વચ્ચે રહેવાનો મજબૂત અંદાજ છે.
- વૈશ્વિક બજારનો ટ્રેન્ડ: 2026ના બાકીના સમયગાળામાં વૈશ્વિક સ્તરે સોનું 4,200થી 4,600 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં રહેશે. જ્યારે 2027ના પ્રથમ છમાસિક ગાળામાં તે તેજી પકડીને 4,600થી 5,000 ડોલરની ટોચે પહોંચી શકે છે.
સોનામાં આવડી મોટી તેજી કેમ આવશે? (મુખ્ય કારણો) રિપોર્ટ અનુસાર આ ઐતિહાસિક તેજી પાછળ કોઈ એક નહીં, પરંતુ અનેક વૈશ્વિક પરિબળો કામ કરી રહ્યા છે:
- અમેરિકાનું દેવું અને ડોલર: અમેરિકાની વધતી રાજકોષીય ખાધ અને સરકારી દેવા અંગેની ચિંતાઓ રોકાણકારોને સોના તરફ વાળી રહી છે. વળી, ડોલરમાં નરમાઈ અને અમેરિકન વાસ્તવિક વ્યાજદરો ઘટવાથી સોનાને સીધો ફાયદો થશે.
- કેન્દ્રીય બેંકોની રેકોર્ડ ખરીદી: દુનિયાભરની સેન્ટ્રલ બેંકો અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઘટાડીને પોતાના પોર્ટફોલિયોમાં સોનાનો ભંડાર વધારી રહી છે. દાખલા તરીકે, ચીનની સેન્ટ્રલ બેંકે (PBOC) ઓગસ્ટમાં જ 20 ટન સોનું ખરીદ્યું છે, જે ઓક્ટોબર 2023 પછીની તેની સૌથી મોટી માસિક ખરીદી છે.
- ગોલ્ડ ETFમાં જંગી રોકાણ: ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ETFમાં $17.8 અબજનું તોતિંગ રોકાણ આવ્યું હતું, જેને પગલે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ETFની કુલ માગ 144.7 ટન પર પહોંચી ગઈ છે.
તો પછી સપ્ટેમ્બરમાં સોનું 8% કેમ તૂટ્યું? જો 2027માં ભાવ 5,000 ડોલર જવાનો છે, તો હાલમાં સોનું કેમ ઘટી રહ્યું છે? ઓગસ્ટમાં 9% ના ઉછાળા બાદ સપ્ટેમ્બરમાં સોનામાં લગભગ 8% નો કડાકો જોવા મળ્યો છે. ICICI બેંક આ પાછળ અમેરિકાની કડક નાણાકીય નીતિની આશંકા, મોંઘવારીનો ડર અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવોને જવાબદાર માને છે.
બેંક સ્પષ્ટપણે માને છે કે સપ્ટેમ્બર મહિનાનો આ ઘટાડો માત્ર એક ‘સ્પીડ બ્રેકર’ છે. નજીકના ગાળાનું આ દબાણ સોનાની લાંબા ગાળાની મજબૂતીને તોડી શકે તેમ નથી. વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊર્જા દબાણો ઘટતાની સાથે જ સોનું ફરી એકવાર તેની ઐતિહાસિક તેજીની સફર પર નીકળી પડશે.
(નોંધ: બજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.)
