૧ ઓક્ટોબર, ૨૦૨૬થી વોટ્સએપ પર એક મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે, પરંતુ તે વિશે લોકોમાં જે અફવા ફેલાઇ રહી છે તેનું સત્ય જાણવું, જે વિશે જાણવું અને ખોટી માહિતી ફેલાતી અટકાવવી ખૂબ જરૂરી છે.
હવેથી બિઝનેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી કંપનીઓ માટે મેસેજિંગના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે કંપનીઓ દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતા સર્વિસ મેસેજ પેઇડ થઈ જશે. અત્યાર સુધી ગ્રાહકના પૂછપરછવાળા મેસેજ પછી ૨૪ કલાક સુધી કંપનીઓ તેમને મફતમાં જવાબ મોકલી શકતી હતી, પરંતુ હવે આ વ્યવસ્થા બદલાઈ રહી છે.
નવા નિયમોની મુખ્ય બાબતો:
- સર્વિસ મેસેજ પર ચાર્જ: ૧ ઓક્ટોબરથી ઓર્ડરની પુષ્ટિ (કન્ફર્મેશન) અને ડિલિવરી અપડેટ જેવા મેસેજ મફત રહેશે નહીં. ગ્રાહક સાથેની ૨૪ કલાકની કસ્ટમર સર્વિસ વિન્ડો દરમિયાન મોકલવામાં આવતા દરેક સેવા મેસેજ પર કંપનીઓએ વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને અલગથી ચાર્જ ચૂકવવો પડશે.
- ૧,૦૦૦ મેસેજની છૂટ: દરેક બિઝનેસ નંબરને મહિનામાં પ્રથમ ૧,૦૦૦ સર્વિસ મેસેજ મફતમાં મળશે. આ મર્યાદા પૂરી થયા બાદ કસ્ટમર કેર કર્મચારી અથવા થર્ડ-પાર્ટી AI ચેટબોટ દ્વારા મોકલવામાં આવતા દરેક મેસેજ પર ફી લાગુ થશે.
- સામાન્ય યુઝર્સ અને નાના વેપારીઓને અસર નહીં: ગ્રાહકો તરફથી કંપનીને મોકલવામાં આવતા મેસેજ માટે કોઈ જ ચાર્જ લાગશે નહીં. આ ઉપરાંત, સામાન્ય વોટ્સએપ યુઝર્સ અને નાના વ્યવસાયો માટે બનાવવામાં આવેલી મફત ‘વોટ્સએપ બિઝનેસ એપ’ પર પણ આ નિયમ લાગુ નહીં થાય.
સર્વિસ મેસેજ અને ૨૪ કલાકની વિન્ડો શું છે? જ્યારે કોઈ ગ્રાહક વોટ્સએપ પર કંપનીનો સંપર્ક કરે છે, ત્યારે ૨૪ કલાકનો એક નિર્ધારિત સમયગાળો (કસ્ટમર સર્વિસ વિન્ડો) શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકની સમસ્યા કે સવાલનો ઉકેલ લાવવા માટે કંપની જે રિપ્લાય આપે છે તેને સર્વિસ મેસેજ કહેવાય છે. કંપની પોતાની તરફથી જાતે સર્વિસ મેસેજ મોકલીને નવી વાતચીત શરૂ કરી શકતી નથી; તે ફક્ત ખુલ્લી વિન્ડોમાં જ મોકલી શકાય છે. અગાઉ માત્ર માર્કેટિંગ, યુટિલિટી અને ઓથેન્ટિકેશન (જેમ કે OTP) ટેમ્પલેટ મેસેજ માટે જ ચાર્જ લેવાતો હતો, જેમાં હવે સર્વિસ મેસેજનો પણ ઉમેરો થઈ જશે.
કંપનીઓ માટે ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઇન આ નવા નિયમના સરળ અમલીકરણ માટે, કંપનીઓએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના વોટ્સએપ બિઝનેસ અકાઉન્ટમાં પેમેન્ટ મેથડ (ચુકવણીની રીત) ઉમેરવી ફરજિયાત છે. જો કંપનીઓ સમયસર આ વિગતો અપડેટ નહીં કરે, તો ૧ ઓક્ટોબરથી તેમના સર્વિસ મેસેજ ગ્રાહકો સુધી પહોંચતા અટકાવી દેવામાં આવશે.
