એશિયાનો સૌથી મોટો એર શો અને વિશ્વના અગ્રણી એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનોમાંનું એક, એરો ઈન્ડિયા (Aero India 2027) ની 16 મી આવૃત્તિ આગામી ફેબ્રુઆરીમાં કર્ણાટકમાં યોજાશે. તે અંતર્ગત ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રદર્શન સ્પેસનું બુકિંગ આજથી શરૂ થવા જઇ રહ્યું છે.
બેંગ્લુરુમાં તારીખ 8થી 12 દરમિયાન યોજાનારી આ ઈવેન્ટ વૈશ્વિક એરોસ્પેસ અને સંરક્ષણ કંપનીઓ, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી નિષ્ણાતો, ઇનોવેટર્સ, ઉદ્યોગના હિસ્સેદારો અને સંરક્ષણ દળોના કર્મચારીઓને એક મંચ પર એકસાથે લાવશે.
એરો ઈન્ડિયા એરોસ્પેસ, સંરક્ષણ ઉત્પાદન, ઉભરતી ટેકનોલોજી અને ઈનોવેશનમાં દેશની વધતી જતી ક્ષમતાઓને દર્શાવતી એક ફ્લેગશિપ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ તરીકે ઉભરી આવ્યું છે. તે ભારતના વિસ્તરતા સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને વૈશ્વિક એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં તેની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડવાની સાથે બિઝનેસ એન્ગેજમેન્ટ, ટેકનોલોજી એક્સચેન્જ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને વ્યૂહાત્મક સંવાદ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
મહત્વનું છે કે, આ પાંચ દિવસીય ઈવેન્ટમાં એક વ્યાપક પ્રદર્શન અને વ્યવસાયિક તથા વ્યૂહાત્મક જોડાણોની શ્રેણી જોવા મળશે, જે ઉદ્યોગ-થી-ઉદ્યોગ વાર્તાલાપ, સરકાર-થી-ઉદ્યોગ જોડાણો, ટેકનોલોજી પ્રદર્શનો અને સહયોગ માટે તકો પૂરી પાડશે. તેમાં ભારતીય વાયુસેના અને ભાગ લેનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈંગ ટીમો દ્વારા શાનદાર હવાઈ કરતબો (એરિયલ ડિસ્પ્લે) પણ રજૂ કરવામાં આવશે, જે મુલાકાતીઓને અદ્યતન એવિએશન ક્ષમતાઓને પ્રત્યક્ષ જોવાની તક આપશે.
સરળ ભાગીદારીની સુવિધા આપવા અને પ્રદર્શકો તેમજ મુલાકાતીઓ માટે વ્યાપક સેવાઓ પૂરી પાડવા માટે એરો ઈન્ડિયા 2027 માટે એક સમર્પિત વેબ-આધારિત પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રદર્શન સ્પેસનું બુકિંગ www.aeroindia.gov.in દ્વારા સુલભ કરવામાં આવશે, જેમાં પ્રદર્શક રજીસ્ટ્રેશન 3 સપ્ટેમ્બર, 2026 થી શરૂ થવાનું નિર્ધારિત છે.
એરો ઈન્ડિયા 2027 થી ભારતના આત્મનિર્ભર ભારતના વિઝન અને વૈશ્વિક સંરક્ષણ અને એરોસ્પેસ સપ્લાય ચેઈનમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે તેના ઉદભવને નોંધપાત્ર વેગ મળવાની અપેક્ષા છે. આ ઈવેન્ટ MSMEs અને સ્ટાર્ટ-અપ્સ સહિત ભારતીય સંરક્ષણ ઉદ્યોગોની વધુ ભાગીદારીને સુગમ બનાવશે, જ્યારે ભાગીદારી, રોકાણ, નિકાસ અને ટેકનોલોજી સહયોગ માટેના માર્ગો બનાવશે.
