DGFTનું નવું પગલું: ટ્રેડ કનેક્ટ ઈ-પ્લેટફોર્મ પર ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજિન’ માટે ઓપન API સુવિધા શરૂ

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા નિકાસકારો માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ડીજીએફટીએ ‘ટ્રેડ કનેક્ટ ઈ-પ્લેટફોર્મ’ (Trade Connect e-Platform) દ્વારા ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજિન’ (CoO) ના ઇશ્યુઅન્સ અને વેરિફિકેશન માટે ઓપન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (Open API) સુવિધા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. આ નવી સુવિધાથી પાત્ર નિકાસકારો તેમના રોજિંદા વેપારી કાર્યોમાં ટેક્નોલોજીનો વધુ સચોટ ઉપયોગ કરી શકશે.

મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ:

  • ડિજિટલ ઇન્ટિગ્રેશન: આ નવી ઓપન API સુવિધા નિકાસકારોને તેમના એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP), એકાઉન્ટિંગ કે અન્ય વ્યવસાયિક સોફ્ટવેરને સીધા જ ડીજીએફટી (DGFT) ની CoO સિસ્ટમ સાથે જોડવાની ક્ષમતા પૂરી પાડે છે.
  • મેન્યુઅલ ડેટા એન્ટ્રીથી છુટકારો: અગાઉ નિકાસકારો પાસે પોતાના સોફ્ટવેરમાં માહિતી ઉપલબ્ધ હોવા છતાં ડીજીએફટી પ્લેટફોર્મ પર અલગથી વિગતો દાખલ કરવી પડતી હતી. હવે અરજીનો ડેટા સીધો જ સિસ્ટમમાંથી ટ્રાન્સફર થઈ જશે, જેનાથી વારંવાર ડેટા એન્ટ્રી કરવાની ઝંઝટ મટશે, ભૂલો ઘટશે અને પ્રક્રિયા અત્યંત ઝડપી બનશે.
  • બિઝનેસ ફ્રેન્ડલી સ્કીમ્સ: આ સુવિધા પ્રેફરન્શિયલ (પ્રાથમિકતા આધારિત) અને નોન-પ્રેફરન્શિયલ (બિન-પ્રાથમિકતા આધારિત) એમ બંને પ્રકારના સર્ટિફિકેટ્સ ઓફ ઓરિજિનને સમર્થન આપે છે.

કયા હેતુઓ માટે ઉપયોગી?

  • પ્રેફરન્શિયલ CoOs: મુક્ત વ્યાપાર કરારો (FTAs), પ્રાદેશિક વ્યાપાર કરારો (RTAs) અને પ્રેફરન્શિયલ વ્યાપાર કરારો (PTAs) હેઠળ ઇશ્યૂ થાય છે, જે નિકાસકારોને આયાત કરનાર દેશમાં લાગુ પડતી ટેરિફ રાહતોનો દાવો કરવામાં મદદ કરે છે.
  • નોન-પ્રેફરન્શિયલ CoOs: આ પ્રકારના સર્ટિફિકેટ્સ ટેરિફ લાભ વિના કસ્ટમ્સ ક્લિયરન્સ, અનુપાલન (કોમ્પ્લાયન્સ), ટ્રેડ રેમેડી અને અન્ય વેપાર સંબંધી જરૂરિયાતો માટે ઉપયોગી છે.

મજબૂત સુરક્ષા અને API માળખું

આ સિસ્ટમ હેઠળ નિકાસકારો CoO પોર્ટલના API મેનેજમેન્ટ વિભાગમાંથી પોતાના ક્રેડેન્શિયલ્સ મેળવી શકે છે અને સુરક્ષિત કનેક્ટિવિટી માટે IP સરનામાની નોંધણી કરાવી શકે છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના API ઉપલબ્ધ છે:

  1. ઓથેન્ટિકેશન ટોકન API: સુરક્ષિત લોગિન માટે.
  2. CoO ફાઇલ API: અરજીઓ સબમિટ કરવા અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે.
  3. સર્ટિફિકેટ વેરિફિકેશન API: ઇશ્યૂ થયેલા પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે.

ડેટાની સુરક્ષા માટે 2048-બિટ X.509 પ્રમાણપત્રો સાથે SHA-256 RSA ડિજિટલ સહીઓ, ડાયનેમિક સોલ્ટ સાથે PBKDF2 પાસવર્ડ હેશિંગ અને વ્હાઇટલિસ્ટ કરેલા IP એક્સેસ જેવા કડક સુરક્ષા ધોરણો અપનાવવામાં આવ્યા છે. દરેક એક્સેસ ટોકન ૬૦ મિનિટ માટે જ માન્ય રહે છે.

વ્યાપક કરારોનો સમાવેશ

આ સિસ્ટમમાં ભારત દ્વારા કરવામાં આવેલા પ્રમુખ વ્યાપાર કરારો જેવા કે ઈન્ડિયા-જાપાન CEPA, SAFTA, આસિયાન-ઇન્ડિયા FTA, ઈન્ડિયા-UAE CEPA, ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ECTA, ઈન્ડિયા-EFTA TEPA તેમજ જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્શિયલ અને નોન-પ્રેફરન્શિયલ યોજનાઓનો સમાવેશ થાય છે. સિસ્ટમ પસંદ કરેલા કરારના આધારે નિયમો આપમેળે લાગુ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *