શું જેક માનું મજબૂત રોકાણ અલીબાબાને AI ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરશે?

ચાઇનીઝ જાયન્ટ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગના સ્થાપક જેક મા (Jack Ma) એ સતત બે દિવસમાં કંપનીના હોંગકોંગ-લિસ્ટેડ HK$600 મિલિયન (આશરે ₹60 કરોડ હોંગકોંગ ડોલર) થી વધુના શેર ખરીદ્યા છે. આ બાબતથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કંપનીના લાંબા ગાળાના ભવિષ્ય પર તેમનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.

ચીની અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનાં જણાવ્યા મુજબ, આ શેર ખરીદી દર્શાવે છે કે અલીબાબા પોતાની AI મહત્વાકાંક્ષાઓ પાછળ મજબૂત રોકાણ કરશે અને ભવિષ્યમાં AI ક્ષેત્રે ટોચની કંપની બનશે, જે કંપનીના પૂર્વ ચેરમેનને વિશ્વાસ છે.

 AI રેસમાં હાલ અમેરિકાને ચીન બરાબરની ટક્કર આપી રહ્યું છે, તેમ કહી શકાય. આ સાથે જ ચીનની કંપનીઓમાં અંદરો-અંદર પણ ખાસ કોમ્પિટિશન ચાલી રહી છે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ(ByteDance) પણ પોતાના AI મોડલ્સને લઇને પ્રખ્યાત છે.

અલીબાબા બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B), ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપન-સોર્સ ઇકોસિસ્ટમમાં અગ્રેસર છે, ત્યાં બાઇટડાન્સ કન્ઝ્યુમર એપ્લિકેશન્સ, સોશિયલ મીડિયા ક્રિએટિવિટી અને અફોર્ડેબલ લાર્જ-સ્કેલ ઇન્ફરન્સમાં પ્રભુત્વ ધરાવે છે. 

અલીબાબાના Qwen AI મોડલ પરિવારે વૈશ્વિક સ્તરે 3 અબજ (3 Billion) થી વધુ ડાઉનલોડ્સ વટાવ્યા છે. જ્યારે, કંપનીના સેમિકન્ડક્ટર યુનિટ ‘T-Head’ દ્વારા તેના Zhenwu M890 AI પ્રોસેસરનું બિઝનેસ લેવલે ડિપ્લોયમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. 

હોંગકોંગ સ્ટોક માર્કેટ ફાઇલિંગ અનુસાર અલીબાબાના ચેરમેન જો ત્સાઈ (Joe Tsai) અને સીઈઓ એડી વુ યોંગમિંગ (Eddie Wu Yongming) એ પાછલા બે દિવસમાં સંયુક્ત રીતે HK$202 મિલિયનના શેર ખરીદ્યા હતા. જો ત્સાઈએ સોમવારે HK$80 મિલિયન અને ગઈકાલે આશરે HK$82 મિલિયનના શેર ખરીદ્યા. આ અંગત રોકાણો કંપની દ્વારા AI વિકાસ માટે ભંડોળ એકત્ર કરવા જાહેર કરેલા નવા શેર ઇશ્યૂ પછી આવ્યા છે.

મહત્વનું છે કે, જેક માએ 1999માં 17 ભાગીદારો સાથે અલીબાબાની સ્થાપના કરી હતી. તેમણે 2013માં સીઈઓ અને 2019માં એક્ઝિક્યુટિવ ચેરમેનનું પદ છોડ્યું હતું. તાજેતરના વર્ષોમાં, અલીબાબા ઈ-કોમર્સ પાવરહાઉસમાંથી ચિપ્સ, કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) અને AI એપ્લિકેશન્સ સુધી વિસ્તરેલી ‘ફુલ-સ્ટેક AI’ કંપની બનવા તરફ આગળ વધી રહી છે.

ગત સપ્તાહે કંપનીએ ક્લાઉડ અને AI ઓપરેશન્સમાં વાર્ષિક ધોરણે 45% ની આવક વૃદ્ધિ નોંધાવી છે. સીઈઓ વુ અનુસાર, કંપનીને ત્રણ વર્ષમાં તેના AI રોકાણમાંથી નફો મળવાની અપેક્ષા છે.